જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સ્કૂટી પર જતા શખ્સને પોલીસે દારૂની બોટલો સાથે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ભૂતીયા બંગલા પાસેથી પોલીસે રેઈડ દરમિયાન શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ અને મોબાઇલ ફોન તેમજ બાઈક સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા કેરોસીનના ટાંકા પાસેથી પસાર થતા જીજે-10-કયુ-4728 નંબરના સ્કુટી પર પસાર થતા નરેન્દ્ર વાલજી ગોરી નામના શખ્સને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની છ બોટલ મળી આવી હતી. પોલીસે રૂા.10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના જોગવડ ગામ નજીક બાઇક પર પસાર થતા ભગીરથસિંહ શિવુભા પીંગળ નામના શખ્સને મેઘપર પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ અને બે હજારનો મોબાઇલ તથા પોલીસપટ્ટાવાળુ બાઈક સહિત કુલ રૂા.39000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાંથી પસાર થતા જૈેમીન દિનેશ મારકણા નામના શખ્સને કાલાવડ પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં દિગ્વીજયપ્લોટ 49 રોડ પરથી પસાર થતા વિપુલ સવજી ચીત્રોડા નામના શખ્સની તલાસી લેતા સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે દારૂની એક બોટલ મળી આવતા વિપુલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.