જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને બેડેશ્ર્વરના બે વ્યાજખોરો પાસેથી ચાર લાખની રકમ 10% ઉંચા વ્યાજે 2018 માં લીધી હતી. આ રકમ વ્યાજ સહિત 46,00,000 ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ વેપારીના પિતાના નામનું મકાન બળજબરીથી લખાવી લઇ વધુ ચાર લાખ વ્યાજે આપી રૂા.12,00,000 વ્યાજ સહિત વસૂલ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર 1 વિસ્તારમાં રહેતાં આરિફભાઈ કાદરભાઈ ધુધા નામના વેપારી યુવાને તેના વ્યાપાર માટે વર્ષ 2018 માં બેડેશ્ર્વરના એજાજ ઉમર સાયચા પાસેથી ચાર લાખની રકમ 10% ઉંચા વ્યાજે લીધી હતી. આ રકમ વ્યાજ સહિત 46,00,000 ચુકવી દીધા છતાં વેપારી પાસેથી ધાકધમકી આપી વેપારીના પિતાનું મકાન બળજબરીપૂર્વક લખાવી લીધું હતું. તેમજ ઈકબાલ ઈબ્રાહીમ ધુધા પાસેથી ચાર લાખની રકમ 10% વ્યાજે લીધી હતી. જે રકમ પેટે રૂા.12 લાખ વ્યાજખોરોએ વસુલી લીધા હતાં. અને ઈકબાલે આરીફના નામે રહેલું મકાન બળજબરીપૂર્વક ધાક-ધમકી આપી તેના મામાના નામે લખાવી લીધાના બનાવમાં વેપારી યુવકે આખરે પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પીએસઆઈ એ.વી. વણકર તથા સ્ટાફ દ્વારા બંને વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.