Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજલાની જાર વિસ્તારમાં યોજાયા ઈશ્વર વિવાહ - VIDEO

જલાની જાર વિસ્તારમાં યોજાયા ઈશ્વર વિવાહ – VIDEO

પુરૂષો દ્વારા સ્પીકર કે વાજિંત્રના ઉપયોગ વિના નગારાના તાલે ગરબે ઘુમ્યા : મેયર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગર શહેરમાં જલાની જાર વિસ્તારમાં યોજાતી પ્રાચીન ગરબીમાં શનિવારે સાતમા નોરતે ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાઇઓ પિતાંબરી પહેરીને નગારાના તાલે ઈશ્વર વિવાહના છંદ સાથે તાલ મેળવી ગરબે ઘુમ્યા હતાં.

- Advertisement -

અંદાજિત 300થી વધુ વર્ષ જુની સૌથી પ્રાચીન જલાની જાર ગરબી મંડળમાં પુરુષો દ્વારા ગરબે રમી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અહીં સાતમા નોરતે ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. આદ્ય કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતાં. એકપણ ક્ષણના વિરામ વિના સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓએ ઈશ્વર વિવાહના ગાન સાથે રાસ રમ્યા હતાં. શ્રોતાઓ ઈશ્વર વિવાહનો સાર સમજી શકે તે માટે એક પંકિત ચાર વખત ગાવામાં આવે છે. આ ઈશ્વર વિવાહ જોવા એ એક અવિસ્મરણિય લ્હાવો છે. ખેલૈયાઓએ પિતાંબરી અને અબોટિયુ વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે ગરબે રમ્યા હતાં. પાંચ વર્ષથી માંડીને 100 વર્ષ સુધીના પુરુષો આ ગરબી રમે છે અને સાતમા નોરતે ઇશ્ર્વર વિવાહ કાર્યક્રમ યોજાય છે. કોઇપણ લાઉડ સ્પીકર કે, વાજિંત્રના ઉપયોગ વગર નગારાના તાલે ઈશ્વર વિવાહ યોજાય છે.

- Advertisement -

સાતમા નોરતે યોજાયેલા ઈશ્વર વિવાહ નિહાળવા આ વિસ્તારના લોકો તથા શ્રોતાઓ પરોઢીયા સુધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જામનગરના મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ઈશ્વર વિવાહ નિહાળ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular