જામજોધપુર મત વિસ્તારના યુવા ધારાસભ્ય હેમતભાઇ ખવાનો આવતીકાલે જન્મદિવસ છે. હંમેશા ખેડૂતોના તેમજ સામાન્ય જનતાના પ્રશ્ર્નોને વાચા આપનાર હેમતભાઇ ખવાએ પોતાની કામ કરવાની સિસ્મટમથી બધાને પ્રભાવિત કર્યા છે. ત્યારે તેમનો જન્મ દિવસ પણ સાદગી પૂર્ણ ઉજવવાનું નકકી કર્યુ છે. મારૂતિ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા તા. 18-10ના રોજ જામજોધપુરમાં લોહાણા મહાજન વાડી ખાતે સામતો મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રકતદાન કેમ્પમાં સાધુ-સંતોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવશે. જેમાં ગોપનાથ મહાદેવ મંદિરના મહંત મંગલગીરી બાપુ, ઓરડીધામ-સતાપરના ભુવાઆતા અમરાઆતા તથા ફુલનાથ મહાદેવના મહંત સુંદરનાથ બાપુ ઉપસ્થિત રહેશે. તેમજ જી.જી. હોસ્પિટલની ટીમ આ કેમ્પમાં પોતાની સેવા આપશે.
હેમંત ખવાએ જણાવ્યું હતું કે, હાલમાં જી.જી. હોસ્પિટલ જામનગરની બ્લડ બેંકમાં બ્લડનો સ્ટોક નહીંવત છે. જેના લીધે હોસ્પિટલમાં આવનાર દર્દીઓને ખૂબજ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી આ મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સૌ સાથે મળીને રકતદાનના મહાસૂત્રને સાર્થક કરવા જાહેર જનતાને આ કેમ્પમાં ઉપસ્થિત રહી રકતદાન કરવા માટે હેમંત ખવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સ્વરૂચી ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આથી જાહેર જનતાને આ કેમ્પમાં ભાગ લઇ જરૂરિયાતમંદ લોકોના નવજીવનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.