અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્ર્વકપ-2023નો ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો થવા જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ક્રિકેટ ફીવર છવાયો છે. તો બીજી તરફ ભારત-પાકિસ્તાન મેચની સંવેદનશીલતાને ધ્યાને રાખીને સમગ્ર રાજયમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. ખાલિસ્તાનીઓ દ્વારા સ્ટેડિયમને બોંબની ઉડાવી દેવાની ધમકીને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્ટેડિયમમાં સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો બીજી તરફ ઉજવણી દરમ્યાન કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે સમગ્ર રાજયમાં પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેચ દરમ્યાન સોશિયલ મીડિયા પર કોઇ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં ન આવે તે માટે પોલીસ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તેમજ આવી પોસ્ટ મૂકનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. મેચ પૂર્ણ થયા બાદ ઉજવણીમાં અતિરેક ન થાય તે તેમજ કોઇપણ સમુદાયની લાગણી દુભાય તે રીતે ઉજવણી નહીં કરવા પણ તાકિદ કરવામાં આવી છે. આમ સમગ્ર રાજયમાં એક તરફ ક્રિકેટનો ઉત્સાહ જણાઇ રહયો છો તો બીજી તરફ ભારતે સતર્કતા દાખવવામાં આવી રહી છે. આજે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની 12 મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. ભારતીય ટીમ સાત વર્ષ બાદ ઘરઆંગણે પાકિસ્તાન સામે રમશે અને 18 વર્ષ બાદ બંને દેશો અમદાવાદમાં વનડે મેચ રમશે. ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો જોવા દુનિયાભરથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર તિરંગા સાથે જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકોએ ચેહરા પર તિરંગા બનાવ્યા છે.આજે અમદાવાદમાં ભારત-પાકિસ્તાનનો વર્લ્ડ કપ 2023નો મહામુકાબલો રમાનાર છે ત્યારે આ હાઈ વોલ્ટેજ મેચ માટે વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સિંગર અરિજિત સિંઘ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ સાથે ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું પણ આગમન થયું છે. હાલ ક્રિકેટ સ્ટેડિયમની બહાર ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે.આજે ભારતીય ટીમ 18 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તાન સામે વનડે મેચ રમશે. આ પહેલા 2005માં બંને ટીમો અહીં છેલ્લી વખત રમી હતી ત્યારે પાકિસ્તાને તે મેચ ત્રણ વિકેટથી જીતી હતી. આજે ભારતીય ટીમ તે હારનો બદલો લેવા માંગશે. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મહાકુંભનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે. મેચને લઈને સમગ્ર શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આજે મેચ માટે કેટલાક રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે ત્યારે અત્યારથી જ દર્શકો સ્ટેડિયમમાં પહોંચવા લાગ્યા છે. ભારત અને પાકિસ્તાન ની ટીમ સાત વર્ષ બાદ ભારતમાં વનડે મેચ રમી રહી છે અને આજે ક્રિકેટના વર્લ્ડ કપનો મહામુકાબલો હોય જેને ધ્યાને રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્શકો માટે પહેલા જ સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં પાણીની બોટલ, ઈલેક્ટ્રીક સિગારેટ, સોફ્ટ ડ્રિંક્સ, સેલ્ફી સ્ટીક, લેસર લાઈટ, છત્રી, પાવરબેન્ક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્ટેડિયમની અંદર ફક્ત ટિકિટ, મોબાઈલ, પર્સ, ચશ્મા, કેપ તેમજ ઝંડા જ અંદર લઈ જઈ શકાશે.
અમદાવાદમાં મેચ, રાજયભરમાં સતર્કતા
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છવાયો ક્રિકેટ ફિવર : ત્રાસવાદી ધમકીના પગલે સજજડ સુરક્ષા વ્યવસ્થા : સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક લખાણ કે પોસ્ટ મૂકનારાઓ સામે થશે કાર્યવાહી : ઉજવણી નિયંત્રિત રીતે કોઇની લાગણી ન દુભાય તેમ કરવા પોલીસની તાકિદ : સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયા પર પોલીસને ચાંપતી નજર : શહેરી વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ સાથે જબડબેસલાક સુરક્ષા