જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા ધુડિયા પ્લોટમાં રહેતી અને ગાંજાનું વેંચાણ કરતી મહિલાને એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 130 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ બે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરિયાકિનારે આવેલા હાલારમાં છેલ્લાં ઘણાં સમયથી નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ બેરોકટોક થતું જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે નશીલા પદાર્થનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે હાલારના દરિયાકિનારાનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ પણ આ માર્ગેથી હેરોઇન અને ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસમાં અનેક વખત કરોડોનું હેરોઇન પોલીસે કબ્જે કર્યુ છે. તેમજ જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનું વેંચાણ અનેક સ્થળોએ કરવામાં આવતું હોય છે અને પોલીસ દ્વારા આ નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં નશીલા પદાર્થનું વેંચાણ અટકતું નથી. હાલમાં જ એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા અને સંદિપ ચુડાસમાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પી આઈ બી એન ચૌધરી, પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે સીક્કા ગામમાં આવેલા ધુડિયા પ્લોટમાં રહેતાં ઝરીનાબેન જાકુભાઈ લોરુ નામની મહિલા બહારથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મંગાવી તેના ઘરેથી છૂટક વેંચાણ કરતા ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1600 ની કિંમતનો 160 ગ્રામ ગાંજો અને રૂા.500 નો ઈલેકટ્રીક સેલવાળો વજનનો કાંટો અને ગાંજાના વેંચાણના રૂા.500 સહિત કુલ રૂા.2600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીની ટીમે મહિલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો રૂકશાનાબેન જુસબ સુંભણિયા પાસેથી ખરીદ કર્યાની કેફીયત આપતા એસઓજીની ટીમે બંને મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી સીક્કા પોલીસને સોંપી આપ્યા હતાં જેના આધારે પીએસઆઇ એ વી સરવૈયા તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ આરંભી રૂકશાનાબેનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.