રાજકોટ રેલવે સ્ટેશન ખાતે એક આસામી ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે ભાવનગર-ઓખા ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમનું પર્સ કોઈ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ રાજકોટ રેલવે પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ આસામીના સોનાના ચેન સહિત કુલ રૂપિયા 1,11,800 નો મુદ્દામાલ ચોરી થયાનું પોલીસમાં જાહેર થયું હતું.
આ પ્રકરણ પછી ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા તથા ખીમાભાઈ કરમુરને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે બોરડી વાસ ખાતે રહેતા વિજયસિંહ ઉર્ફે કાસમ દિલુભા જાડેજા નામના 36 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ અને આગવી ઢબે પૂછપરછ કરતા તેણે રાજકોટ ખાતે કરેલી પર્સની ચોરીની કબૂલાત આપી હતી.
આ શખ્સ પાસેથી પોલીસે ચોરીના રૂપિયા 1,11,800 નો મુદ્દામાલ કબજે કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી તથા સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.