રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂની રેલમછેલ જોવા મળે છે અને દરેક રાજ્યના જુદા જુદા શહેરો-ગામોમાંથી દારૂનો જથ્થો મળી આવવાની ઘટનાઓ સાવ સામાન્ય બની છે ત્યારે જામનગર તાલુકાના દરેડના ગોડાઉનમાં દારૂનું કટીંગ કરાતા સ્થળે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ દરમિયાન ચાર રાજસ્થાની બુટલેગરોને રૂા.22,69,800 ની કિંમતની 5400 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.
દારૂના દરોડાના અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મસીતિયા રોડ પર આવેલા ભવાની ફાર્મ નજીકના પ્લોટ નંબર 160 નંબરના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ઉતારીને તેનું કટીંગ કરાતું હોવાની મળેલી બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ વી પટેલ તથા સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેઈડ દરમિયાન ગોડાઉનની તલાસી લેતા તેમાંથી રૂા.12,69,800 ની કિંમતની મેકડોવેલ્સ નંબર વનની 3384 બોટલ અને રૂા.10,08,000 ની કિંમતની ઓલ્ડસીઝન ગોલ્ડન કલેકશનની 2016 બોટલ દારૂ સહિત કુલ રૂા.22,69,800 ની કિંમતની 5400 બોટલ દારૂ કબ્જે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ દરમિયાન અનિલ શાઉ (બીશ્નોઇ) (રહે. દાવલ ડેડવા રોડ, જિ. સાચોટ), ગોગી જબરામ બીશ્નોઇ (રહે. દાવલ ડેડવા રોડ, જિ. સાચોટ), રામનારાયણ અર્જુનસિંહ મુળ (રહે.ધોરીમના બાડમેર, રાજસ્થાન, હાલ : દરેડ,જામનગર) તેમજ મુકેશરામ સુખરામ હરરામ ગોદારા (રાજસ્થાન) નામના ચાર રાજસ્થાની બુટલેગરોને દબોચી લીધા હતાં.
સ્ટેટ મોનીટરીંગ સેલની પૂછપરછમાં દારૂનો ધંધો કરી કટીંગ કરનાર અનિલ શાઉ અને ગોગી જબરામ બંને મુખ્ય સૂત્રધાર હતાં. જ્યારે રામનારાયણ દરેડ ગામમાં ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો સંગ્રહ કરતો હતો.તેમજ મુકેશકુમાર નામનો શખ્સ દારૂનો જથ્થો વાહનમાં ભરી ડીલેવરી કરતો હતો આમ પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દારૂનો તોતિંગ જથ્થો ઝડપી લઇ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના હેકો સાજણ વિરાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે વધુ તપાસ આરંભી હતી.