ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા ગોકુલપુર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનને તેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી લતીપર અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર સહિત સમગ્ર દેશભરમાં કોરોનાકાળ બાદ બાળકોથી લઇ યુવાનો સુધીના લોકોના હૃદયરોગથી મૃત્યુ થવાની ઘટના ચિંતાજનક રીતે વધી રહી છે તેમાં પણ ખાસ કરીને બાળકો-યુવકો અને યુવાનો એટલે કે 50 વર્ષ સુધીના લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટનાએ દેશભરમાં ચિંતા ફેલાવી દીધી છે.
દરમિયાન ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા ગોકુલપુર વિસ્તારમાં રહેતા વેપારી ભાવેશભાઇ કેશવજીભાઈ તાલપરા (ઉ.વ.49) નામના યુવાનને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે લતીપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાજેશ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.