જામનગર શહેરમાં ખંભાળિયા બાયપાસ નજીક સાંઢીયા પુલ પાસે ગત મોડી સાંજના સમયે પૂરઝડપે આવતા ટેન્કર ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બે યુવાન મિત્રોને ગંભીર ઈજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતો મીત હિતેશભાઈ સંઘાણી (ઉ.વ.22) અને તેનો મિત્ર ઉદયસિંહ ભાવસિંહ રાઠોડ (ઉ.વ.25) નામના બેે યુવાન મિત્રો મંગળવારે સાંજના સમયે બાઈક પર જામનગર-ખંભાળિયા બાયપાસ માર્ગ પર સાંઢીયા પુલ ઉપર ચડતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા ટ્રક ટેંકરચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બંને યુવાનોને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટેન્કરચાલક નાશી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા બંને યુવાનોના પરિવારજનો તથા સગાવ્હાલાઓ દોડી આવ્યા હતાં.
જી. જી. હોસ્પિટલમાં બંને યુવાનોની સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. યુવાન મિત્રોના મોતથી બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે મીતના કાકા ચિંતનભાઈ સંઘાણીના નિવેદનના આધારે પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે નાશી ગયેલા અજાણ્યા ટ્રકટેંકરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.