જામનગર શહેરમાં પ્રતાપ વિલાસ પેલેસ પાસે આવેલા રાજકોટના યુવાનનો મકાન રાજકોટના જ શખ્સે ગેરકાયદેસર રીતે પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા આર.કે. પાર્કમાં ‘શ્રધ્ધા’-5/1,માં રહેતા પ્રકાશભાઇ મણિલાલ ચતવાણી નામના યુવાનના પિતાએ જામનગર શહેરમાં પ્રતાપવિલાસ પેલેસ પાસે આવેલા રાજ એસ્ટેટમાં પ્લોટ નં. 6 પૈકી પૂર્વ તરફથી 6-એવાળી 135.24 ચો.મી. જે પ્રતાપ વિલાસ પેલેસની ઉત્તરાદી સીટી સર્વે વોર્ડ નં. 10, સીટી સર્વે નં. 1932વાળી જમીન 1972ની શાલમાં ખરીદ કર્યા બાદ પ્લોટ પર બાંધકામ કર્યું હતું. આ મકાનની વારસાઇ પ્રકાશભાઇને મળી હતી. આ કિંમતી મકાન પર રાજકોટના રૈયા રોડ પર ગિરીરાજનગર એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ રસિકલાલ ચતવાણી નામના શખ્સે ગેરકાયદેસર પચાવી પાડવા કબજો કર્યો હતો. યુવાન દ્વારા અવારનવાર મકાન ખાલી કરવા બાબતે જણાવ્યા છતાં હરેશ ચતવાણીએ મકાન ખાલી નહીં કરું તેમ જણાવી યુવાનને અપશબ્દો કહ્યા હતાં. આ અંગે પ્રકાશભાઇ દ્વારા જાણ કરાતાં ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.