છોટીકાશીમાં ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે ગણપતિ મહોત્સવ ઉજવાય રહ્યો છે. શહેરના દરેક વિસ્તારોમાં ગણપતિ પંડાલોમાં લોકો ખૂબ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે જામનગરના પ્રસિધ્ધ એવા દગડુ શેઠ ગણપતિ મહોત્સવના આંગણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. શહેરના કડિયાવાડ ખાતે આવેલા દગડુ શેઠ ગણપતિ મહોત્સવ એઈટ વન્ડર્સ ગુ્રપ દ્વારા દર વર્ષે જુદા જુદા રેકોર્ડ સ્થાપવા માટે પ્રયત્નો કરતા હોય છે. આ અગાઉ પણ જુદા જુદા આઠ જેટલા ગીનીશ વર્લ્ડ રેકોર્ડ આ ગુ્રપ દ્વારા સ્થાપવામાં આવ્યા છે.
આ વર્ષે આ ગુ્રપ દ્વારા સાક્ષરતાની થીમ પર લોકોને જાગૃતતા ફેલાવવા, ભણતર અને ટેકનોલોજીના ઉપયોગના વધારા માટે એડયુકેશનને ધ્યાનમાં રાખીને આ ટીમ દ્વારા સૌથી મોટી માર્કરપેન બનાવાઇ છે. આ પેનની લંબાઇ 21 ફુટ 8 ઈંચ છે. જ્યારે કેપ સાથેની લંબાઇ 24 ફુટને સાત ઈંચ છે. જેના દ્વારા પેન્ટીંગ બનાવીને આ ગુ્રપ દ્વારા ગીનીશ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરેલો છે. તેવું ગુ્રપના ભરતસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.