Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયાના નાના આસોટા ગામે મેળા (જાતર)માં જામેલી જુગારની મહેફીલો પર પોલીસ ત્રાટકી

ખંભાળિયાના નાના આસોટા ગામે મેળા (જાતર)માં જામેલી જુગારની મહેફીલો પર પોલીસ ત્રાટકી

જુદા જુદા ચાર ફિલ્ડમાંથી 23 જુગારીઓ ઝડપાયા - રૂ. 1.34 લાખનો મુદ્દામાલ કબજે

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે તાલુકાના નાના આસોટા ગામે યોજાયેલા જાતર (મેળા)ના ધાર્મિક કાર્યક્રમમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જુગાર રમતા તથા રમાડતા શખ્સો પર પોલીસે ત્રાટકી અને જુદા જુદા ચાર ફિલ્ડમાંથી કુલ 23 શખ્સોને રૂ. 1.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે યોજવામાં આવેલા વાછરાડાડાના મેળામાં (જાતરમાં) ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખંભાળિયા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુગાર તથા દારૂ અંગેની પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાના આસોટા ગામે જાતરમાં જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં સામૂહિક રીતે ત્રાટકી અને જુગાર રમતા તત્વોને દબોચી લીધા હતા.
જેમાં એક ફિલ્ડમાંથી અમદાવાદના ધોળકા તાલુકામાં રહેતા દશરથ કાંતિ દેવીપુજક, સચિન ભરત દેવીપુજક, અરજણ ગુલાબ દેવીપુજક, આકાશ દશરથ સુનારા, જગુ ભગુ દેવીપુજક અને ભરત ભગુ દેવીપુજક નામના છ શખ્સોને રૂપિયા 21,900 રોકડા તથા રૂપિયા 5,500 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 27,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ દરોડામાં ધોળકાનો આરોપી દશરથ કાંતિભાઈ એક પ્લાસ્ટિકના ગંજીપત્તાના પાનાવાળા ચિત્રોના પેપર્સ ઉપર ચિત્રો બનાવી અને તેના ઉપર રૂપિયા મુકાવી અને પોતે ગંજીપાનાના પત્તા પટ્ટમાં ફેંકીને જે આંકડો આવે તેને તેટલી રકમ ચૂકવીને અંદર-બાર નામનો જુગાર રમાડાતો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -

આ જ રીતે રમાતા જુગારના બીજા ફિલ્ડમાંથી પોલીસે જુનાગઢ જિલ્લાના કેશોદ ગામના હનીફ હિંગોરા, ઉમરાન મહમદ હિંગોરા, કરસન ભુરા પૂછડીયા, તાહીર તારમામદ હિંગોરા અને અલ્તાફ ઉમર સરવેદી નામના પાંચ શખ્સોને રૂપિયા 19,800 રોકડા તથા રૂપિયા 16,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 35,900 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

જુગારના ત્રીજા ફિલ્ડમાંથી તીનપત્તીનો જુગાર રમતા પોરબંદર તાલુકાના કેશુર સામત ભુલીયા, નાથા ભીમા કારાવદરા, વાડીનાર ગામના દેવાણંદ મેઘા ભાચકન, કેનેડી ગામના જયેશ જમન નકુમ તથા નંદાણા ગામના જલ્પેશ ગોપાલ ચાવડા નામના પાંચ શખ્સોને રૂપિયા 16,000 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 36,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

જુગારના ચોથા ફિલ્ડમાંથી પોલીસે ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા પોરબંદર તાલુકાના મોઢવાડા ગામના પરબત દેવા મોઢવાડિયા, ફટાણા ગામના અનિલ મુજાજી ઓડેદરા, જામનગરના રાજેશ ધીરજલાલ અગ્રાવત, અરવિંદ નથુ ફૂલતરીયા, નાના આસોટાના વિનોદ મણીલાલ નિમાવત, ભાટિયાના જગદીશ માધા ચારોલા અને કારા ભાયા આંબલીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 13,900 રોકડા તથા રૂપિયા 20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 34,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નાના આસોટા ગામે વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળામાં જામેલી જુગારની મહેફિલો ઉપર જુગાર રમવા તથા રમાડવા માટે પણ બહારગામથી મોટી સંખ્યામાં જુગારીઓ આવ્યા હતા. પોલીસની રેઈડમાં કેટલાક શખ્સો નાસી છૂટ્યા હોવાનું તેમજ જુગારીઓમાં દોડધામ મચી ગયાનું જાણવા મળ્યું છે. આ તમામ શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ સમગ્ર કાર્યવાહી ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, સર્વેલન્સ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા, દિનેશભાઈ ઘોયલ, રમેશભાઈ માધર, બલુભાઈ ગઢવી તથા કરણભાઈ નાંઘા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular