જામનગર બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને હાલાકી ન પડે તેમજ શૌચાલય સહિતના પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી એસ.ટી.વિભાગ જામનગર દ્વારા લગત એજન્સીને સફાઈ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. પરંતુ થોડા દિવસો પહેલા અખબારી અહેવાલોના માધ્યમથી શૌચાલય ખાતે ખૂબ જ ગંદકી હોવાનું તેમજ મુસાફરોને હાલાકી પડતી હોવાની હકીકત ધ્યાને આવતા તે અંગે વિભાગીય નિયામક જાડેજા દ્વારા તપાસ કરાતા હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી રાજકોટની બંસી એન્ટરપ્રાઇઝ એજન્સીની સાફ સફાઈ અંગેની બેદરકારી સામે આવી હતી. જેથી ડેપો મેનેજર દ્વારા એજન્સીને આ અંગે નોટિસ આપવામાં આવેલ અને રૂ.5 હજારનો દંડ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવેલ. ત્યારબાદ બસ સ્ટેશનના શૌચાલયમાં વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ પૂન: સાફ-સફાઈ કરાવવામાં આવી હતી તેમજ લગત અધિકારીઓને રોજિંદુ મોનિટરિંગ કરવા તથા મુસાફરોને લગતી સુવિધા પ્રત્યે સજાગ રહી સુવિધામાં વધારો થાય તે પ્રકારની કાળજી લઈ કામગીરી હાથ ધરવા તાકીદ કરવામાં આવી હતી તેમજ એજન્સીને ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન ન થાય તેની ગંભીર કાળજી રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.