Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતધીરુભાઈ અંબાણી વિશે પરિમલ નથવાણી લિખિત પુસ્તકોનું લોકાર્પણ

ધીરુભાઈ અંબાણી વિશે પરિમલ નથવાણી લિખિત પુસ્તકોનું લોકાર્પણ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત પબ્લિકેશન દ્વારા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગુજરાતી અને હિન્દીમાં પુસ્તકનું શીર્ષક ‘એકમેવ ધીરુભાઇ અંબાણી’ અને અંગ્રેજીમાં તેનું શીર્ષક ‘ધ વન ઍન્ડ ઓન્લી ધીરુભાઇ અંબાણી’ રાખવામાં આવ્યું છે.

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઇના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઇ વિષે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.

પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. તેમના ધીરુભાઈ અંબાણી સાથેના આ કાર્યકાળ દરમિયાન તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પુસ્તકમાં નથવાણીએ ધીરુભાઈ સાથેના તેમના અનુભવોને શાબ્દિક સ્વરૂપ આપ્યું છે. ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.

- Advertisement -

આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આ પુસ્તકના લેખક તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ધીરુભાઈ અંબાણી સાથેનો મારો નાતો જગજાહેર છે. ફલત: આ પુસ્તકની વિગતોમાં મારા આદર્શ પુરૂષ ધીરુભાઈ અંબાણીની મારા મન પર પડેલી અસર, મારાં અવલોકનો અને મને થયેલી વિવિધ અનુભૂતિ વગેરે પ્રતિબિંબિત થઇ છે અને તે સ્વાભાવિક પણ છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે, પરિમલભાઈએ મારા પિતા સાથેના એમના સંબંધો તેમજ મારા પિતાની જીવનશૈલીને આલેખતા અનેક પ્રસંગો યાદ રાખીને આ પુસ્તકમાં સમાવ્યા છે અને આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે, એ માટે મારે પરિમલભાઈને ધન્યવાદ આપવા છે. મારા પિતા વિશે આ પુસ્તકમાં ઘણું લખાયું છે. અંબાણી પરિવાર તેમજ રિલાયન્સ ઉદ્યોગગૃહની ઝીણીઝીણી કેટલી ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઇ સમાવી ન શક્યું હોત.

આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ, મંત્રી મુળૂભાઇ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો પૂનમબેન માડમ, રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શૈલેષ મહેતા, વિવિધ ઉદ્યોગગૃહોના વડાઓ, રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ, અખબારી જગતના મહાનુભાવો સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular