ભાણવડના મોખાણા ગામે વાડી વિસ્તારમાં રહેતો માલધારી યુવાન પોરબંદર કોલેજમાં જવાનું કહી ઘરેથી નિકળી ગયા બાદ પતો નહીં મળતા ચકચાર મચી છે. પોલીસે ગુમ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ભાણવડ તાલુકાના મોખાણા ગામે વાડી વિસ્તારમાં માલધારી રામભાઈ લખમણભાઈ મોરીનો પરિવાર વસવાટ કરે છે. ત્યારે આ પરિવારમાં યુવાન પુત્ર ભરત રામભાઈ મોરી (ઉ.વ.22) ઘરેથી તા.15 ના રોજ સવારે 09 કલાકે પોરબંદર કોલેજમાં જાઉ છું તેમ કહી નિકળ્યો હતો. ત્યારબાદ યુવાન ભરતનો આજદિન સુધી પતો નહીં મળતા રહસ્ય ઘેરુ બન્યું છે. પરિવારમાં પિતા સહિત અનેક ઠેકાણે ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી. પરંતુ ભારતનો પતો લાગ્યો નથી.
જેથી પિતા રામભાઈ લખમણ મોરીએ ભાણવડ પોલીસ થાણે આવી પુત્રનો પતો મેળવી આપવા મદદ માંગી હતી. આથી એએસઆઈ ડી.જે. ઓડેદરા એ ગુમ નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવાન ભરતનો બાંધો પાતળો છે, ઉંચાઈ સાડા પાંચ ફુટ છે, બ્લેક કલરનું શર્ટ તેમજ બ્લુ કલરનું પેન્ટ પહેર્યુ છે. કોઇને પતો મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.