જામજોધપુર ગામમાં આવેલા ભગવતીપરામાં રહેતાં દંપતી વચ્ચે અવાર-નવાર થતા નાના-મોટા ઝઘડાઓથી કંટાળીને પત્નીને તેણીના માતા-પિતા માવતરે લઇ ગયા હોવાનું મનમાં લાગી આવતા યુવાન પતિએ પોતાના હાથે બ્લેડના ચેકા મારી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ભગવતીપરામાં રહેતો અને જૂનાગઢ જિલ્લાના ભીંડોરા ગામનો વતની તથા જુનીયર આસી. કલાર્ક તરીકે ફરજ બજાવતો જીજ્ઞેશભાઈ મેરામભાઈ છૈયા (ઉ.વ.36) નામના યુવાને તેની પત્ની સાથે અવાર-નવાર નાના મોટા ઝઘડાઓ થતા હતાં. આ ગૃહ કંકાસથી કંટાળીને પત્નીના માતા-પિતા માવતરે લઇ ગયા હતાં. પત્ની માવતરે જતી રહેતાં મનમાં લાગી આવતા મંગળવારે વહેલીસવારના સમયે યુવાને પહેલાં તો પોતાના હાથે હાથમાં બ્લેડના ચેકા માર્યા હતાં. ત્યારબાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પિતા મેરામભાઈ દ્વારા કરવામાં આવતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.