જામનગર તાલુકાના બેડ ગામનું દંપતી બાઈક પર વસઈ ગામ પાસેથી પસાર થતું હતું તે દરમિયાન કુતરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થવાથી અકસ્માતમાં પત્નીને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પતિને માથામાં ઈજા થઈ હતી. કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં શ્રમિક મહિલાને શ્ર્વાસ ઉપડતા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતાં રાજેશભાઈ કણજારીયા અને તેની પત્ની દેવીબેન બન્ને મંગળવારે બપોરના સમયે તેના બાઈક પર ખીમરાણા ગામથી બેડ ગામ તરફ આવતા હતાં તે દરમિયાન વસઈ ગામ પાસે પહોંચ્યા ત્યારે ગોલાઈમાં બાઈક આડે કુતરુ ઉતરતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નીચે પટકાતા દેવીબેન કણજારીયાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલાના પતિ રાજેશભાઇને માથાના ભાગે ઈજા થઈ હતી.બનાવની જાણ થતા હેકો સી.ટી. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં કંચનબેન અશ્ર્વિનભાઈ લુણસીયા (ઉ.વ.40) નામના મહિલાને એક વર્ષની વાલ્વની બીમારી હતી અને સાત મહિના પહેલાં વાલ્વનું ઓપરેશન કરાવ્યું હતું તે દરમિયાન મંગળવારે મહિલાને એકાએક શ્ર્વાસ ઉપડતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પતિ અશ્ર્વિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી આઈ જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.