જામનગર શહેરમાં મોચીસાળના ઢાળિયા પાસે રહેતાં યુવાન ઉપર સાત શખ્સોએ સ્કૂટરની ઠોકર મારી પછાડી દઈ તલવાર તથા લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે કોંગે્રસના કોર્પોરેટર સહિતના સાત શખ્સો વિરૂધ્ધ પૂર્વ આ્યોજિત કાવતરુ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિતગ મુજબ, જામનગર શહેરમાં સુભાષમાર્કેટ મોચીસાળના ઢાળિયા પાસે રહેતો અબ્બુ સુફિયામ કુરેશી જુનેદ ચૌહાણને ત્યાં નોકરી કરતો હતો અને કપડાના વેપારી જુનેદ ચૌહાણને કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સાથે ઘણાં સમયથી રાજકીય મનદુ:ખ ચાલતું હતું. જે સંદર્ભે અબ્બુ સુફિયામ સાથે પણ અસલમે બે માસ પહેલાં માથાકૂટ કરી અને જુનેદભાઈની પત્ની કાસ્મીરાબેન સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી ધમકી આપી હતી. આ મનદુ:ખનો ખાર રાખી કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીએ પૂર્વ આયોજિત કાવતરુ રચી શુક્રવારની રાત્રિના સમયે મહાપ્રભુજી બેઠકથી રાધિકા સ્કૂલ વચ્ચેના રોડ પર અબ્બુ સુફિયામ અને તેનો મિત્ર બહાર જતા હતાં તે દરમિયાન અસલમ કાદર શેખ, આફતાબ ઉર્ફે અપુ વાઘેર, ગની બસર વાઘેર, અસલમ કરીમ ખીલજી અને ત્રણ અજાણ્યા સહિતના શખ્સોએ અબ્બુ સુફિયામના સ્કુટરને પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો. ત્યારબાદ હુમલાખોરોએ એકસંપ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
તેમજ અબુ સુફિયામ ઉપર તલવાર વડે કપાળમાં જીવલેણ હુમલો કર્યો હતો અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરો નાશી ગયા હતાં અને ત્યારબાદ ઘવાયેલા અબ્બુ સુફિયામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી સહિત સાત શખ્સો વિરૂધ્ધ પુર્વ આયોજિત કાવતરુ રચી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.