ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં આવેલી ચાંદાણી મસ્જિદ પાસે રહેતા મધીબેન અમરાભાઈ ડોરૂ નામના 60 વર્ષના મહિલા સાંજના સમયે પોતાના ઘરની બહાર આવેલા ઓટલા પર બેઠા હતા, તે દરમિયાન અત્રેના નવાનાકા વિસ્તારમાં રહેતા ગૌતમ ઉર્ફે ગોટીયો ખીમજીભાઈ ડોરૂ નામના શખ્સે તેમની પાસે આવી અને 500 રૂપિયા માંગ્યા હતા. જેથી મહિલાએ ગૌતમ ઉર્ફે ગોટીયાને પૈસા દેવાની ના કહી દીધી હતી. જે બાબતથી ઉશ્કેરાયેલા ગોટીયાએ મધીબેન ડોરૂને બિભત્સ ગાળો કાઢી જો તેણી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આમ રૂા. 500 બળજબરીપૂર્વક કઢાવી ધમકી દેતા ગૌતમ ખીમજી ડોરૂ (ઉ.વ. 30) સામે પોલીસે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2) તથા 427 મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી.