દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાની ભારે ઇન્તેજારીપૂર્વક બની ગયેલી પ્રમુખ – પ્રમુખ પદની ચૂંટણી માટે આજરોજ લાંબી કશ્મકશ તેમજ ચર્ચા, વિચારણાઓ, અટકળો અને અનુમાનો વચ્ચે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે રચનાબેન મોહિતભાઈ મોટાણી, ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ ગોપાલભાઈ પતાણી તેમજ કારોબારી ચેરમેન તરીકે રેખાબેન ખેતીયાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાના વર્તમાન બોડીની બીજી ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ સવારે 11 વાગ્યે ખંભાળિયા નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધી ભારે સસ્પેન્સ તેમજ આજે સવારે સુધી વિવિધ નામોની અટકળો તેમજ અનુમાનોના ચાલેલા દૌર બાદ સવારે 10:30 વાગ્યે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિ બાદ જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ દ્વારા નગરપાલિકાના ભાજપના સદસ્યોને વ્હીપ આપવામાં આવી હતી. જે મુજબ અહીંના પીઢ અને અનુભવી તેમજ રાજકીય માંધાતા સાબિત થયેલા મોટાણી ગ્રુપના પુત્રવધુ રચનાબેન મોહિતભાઈ મોટાણીની પ્રમુખ તરીકે વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ ગોપાલભાઈ પતાણીના નામનું મેન્ડેટ સદસ્યોને આપવામાં આવ્યું હતું. પાલિકાની મહત્વની એવી કારોબારી સમિતિના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના અગ્રણી મહિલા કાર્યકર રેખાબેન ખેતીયાના નામની પણ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી.
ખંભાળિયા શહેરમાં નોંધપાત્ર વસ્તી ધરાવતા અને પાલિકામાં હાલ 28 પૈકી સાત સદસ્યો સાથે સૌથી વધુ સંખ્યાબળ ધરાવતા રઘુવંશી જ્ઞાતિને આ ટર્મમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજથી આશરે 12 વર્ષ પહેલાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ગયેલા દિનેશભાઈ દતાણી પછી આગામી અઢી વર્ષની ટર્મ માટે 12 વર્ષ પછી રઘુવંશી સમાજના રચનાબેન મોહિતભાઈ મોટાણીને ભાજપ દ્વારા આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રમુખ – ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલી આ બેઠકમાં 28 પૈકી ભાજપના તમામ 26 તેમજ બસપા અને કોંગ્રેસના એક-એક મળી તમામ 28 સભ્યો હાજર રહ્યા હતા. નવા હોદ્દેદારોને નિયુક્તિ માટેની આ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાના માર્ગદર્શન હેઠળ કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પૂર્વે તેમજ ચૂંટણી બાદ પણ પોલીસ તંત્ર દ્વારા મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવા હોદ્દેદારોની વરણી બાદ ઢોલ, નગારા અને પુષ્પવર્ષા સાથે ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવી અને વિજય સરઘસ નીકળ્યું હતું.