જન્માષ્ટમી તહેવારોને અનુલક્ષીને તાજેતરમાં ભારતભરમાંથી ભક્તો દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે ભાગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શનાર્થે આવ્યા હતા. અહીં આવેલા યાત્રાળુઓ – ભક્તોની સુરક્ષા તેમજ સવલત અર્થે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ આશરે 1600 જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જેમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે લોકોની સેવા માટે રાખવામા આવેલ સી-ટીમ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ વિવિધ સ્થળો પર પોઈન્ટવાઇઝ પોલીસ દ્વારા સતત ખડેપગે રહી વયોવૃદ્ધ, બાળકો, નાના બાળકો સાથેની મહિલાઓ, દિવ્યાંગો તેમજ અશક્ત ભક્તોની સેવા સાથે સુરક્ષાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ દ્વારા દર્શનાર્થે આવનાર ભક્તો માટે અગાઉથી એક યુ.આર. કોડ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેને સ્કેન કરવાથી દર્શનનો સમય, પાર્કિંગ વ્યવસ્થા, જરૂરી હેલ્પલાઇન નંબરો, વિગેરે જેવી તમામ માહિતી મેળવી શકે, જે ક્યુ.આર. કોડની મદદથી 4520 જેટલા લોકોએ માહિતી મેળવી હતી. વયોવૃદ્ધ, નાના બાળકો સાથેની મહિલાઓના દર્શન માટે 5 ઇ-રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ વ્હીલચેર, પોલીસ જવાનો વિગેરે દ્વારા પણ દર્શનમાં મદદ કરવામાં આવી હતી. સુરક્ષાના હેતુસર પોલીસ દ્વારા એક ડ્રોન ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. પોલીસ ડ્રોન દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન પરવાનગી વગર ડ્રોન ઉડતું જણાતા, તેને ફોલો કરી ડ્રોન ઉડાડતા બે શખ્સોને ડ્રોન સાથે પકડી પાડી, દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. તમામ ભક્તો માટે ગરમીથી રક્ષણ આપવા હેતુસર છાશ તેમજ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
જગત મંદિર વિસ્તારમાં ગુમ થયેલા બાળકો, પરિજનો, હેતુમિત્રોની શોધખોળ તેમજ મદદ માટે સહાયતા કેન્દ્ર તેમજ એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખવામાં આવી હતી. ભક્તોની સુરક્ષા તેમજ વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી, બોડી વોર્ન કેમેરા, વાયરલેસ સેટ ઉપરાંત કોમ્યુનિકેશન નેટવર્ક, ડ્રોન વિગેરેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.
જન્માષ્ટમીના દિવસો દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં સી-ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ પોઈન્ટ પરની પોલીસ દ્વારા વિખુટા પડેલ 138 જેટલા વયોવૃદ્ધ, બાળકો, પરિજનો, હેતૂમિત્રોને શોધી આપેલ તથા 5 જેટલી ઇ-રીક્ષા, વ્હીલચેર તેમજ અન્ય પ્રકારેની વ્યવસ્થા કરી 726 જેટલા વયોવૃદ્ધ ભક્તો, દિવ્યંગજનો, નાના બાળકો સાથેની મહિલાઓ વિગેરે જરૂરીયાત વાળા ભક્તોને મદદ કરી દર્શન કરાવવામાં આવ્યા હતા. દ્વારકાધીશ મંદિર સુરક્ષા દ્વારા આશરે વિખૂટા પડેલ 250 જેટલા વયોવૃદ્ધ, બાળકો, પરિજનો કે હેતુમિત્રોને શોધી આપેલ તેમજ 200 જેટલા વયોવૃદ્ધ ભક્તો, દિવ્યાંગજનો તથા શારીરિક રીતે અશક્ત લોકોને દર્શન માટે મદદ થયા હતા. આ સાથે બેટ દ્વારકા ખાતે 100 જેટલા વયોવૃદ્ધ ભક્તો, દિવ્યાંગો, શારીરિક રીતે અશક્ત લોકો તથા નાના બાળકો સાથેના મહિલાઓને દર્શન માટે મદદ કરવામાં આવેલ સાથે સાથે પરિવારજનોથી વિખૂટા પડેલા 5 જેટલા લોકોને શોધી આપેલ તેમજ 5 જેટલા ભક્તોનો ગુમ થયેલો કિંમતી સામાન પરત અપાવવા માટે તંત્ર સહાયભૂત થયું હતું. આમ, જન્માષ્ટમીના દિવસો દરમિયાન જિલ્લા પોલીસ સ્ટાફની વ્યવસ્થા સાથેની જહેમત અહીં આવેલા ભક્તોમાં ભારે આવકારદાયક બની રહી હતી.