અદાલતોમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઓછું કરવા માટે તા. 9ને શનિવારના રોજ જામનગર અને દ્વારકા જિલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરમાં 8500થી વધુ જ્યારે દ્વારકામાં 3500થી વધુ કેસોમાં સમાધાનકારી ઉકેલ લાવવામાં આવ્યો હતો. આમ એક જ દિવસમાં 12000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જામનગર કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં ફોજદારી સમાધાનને પાત્ર એવા 25239 કેસો મૂકવામાં આવ્યા હતાં. જે પૈકી 8503 કેસોનો સમાધાનકારી ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં 22 કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. જામનગરની લો કોલેજના વિદ્યાર્થીઓને લોક અદાલતોનું પ્રેક્ટિલ જ્ઞાન મેળવવા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ સુલભા બક્ષી, કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જજ જે.પી. પરમારે લોક અદાલતના ક્ધસેપ્ટનું માર્ગદર્શન આપ્યું હતું.
જ્યારે બીજીતરફ દ્વારકા જિલ્લાના 3667 કેસોનો સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો હતો. જેમાં 15 કરોડથી વધુ રકમના સેટલમેન્ટ હુકમો કરવામાં આવ્યા હતાં. આ લોક અદાલતથી દ્વારકા જિલ્લાની અદાલતોમાં કુલ પેન્ડીંગ કેસમાં એક જ દિવસમાં 21.65 ટકાનો ઘટાડો થયો હતો.