Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરદિગ્જામ સર્કલ નજીક દિનદહાડે યુવાનને આંતરી રોકડની લૂંટનો ભેદ ઉકેલાયો

દિગ્જામ સર્કલ નજીક દિનદહાડે યુવાનને આંતરી રોકડની લૂંટનો ભેદ ઉકેલાયો

એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલો યુવાન ભોગ બન્યો: 20 થી 25 વર્ષના પાતળા બાંધાના ત્રણ લૂંટારુઓ લૂંટી ગયા : એલસીબીએ બે તરૂણ સહિત ત્રણ લૂંટારુઓને દબોચ્યા

- Advertisement -

જામનગર શહેરના ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડનાર યુવાનને ત્રણ શખ્સોએ આંતરીને મુંગો દઈ ખીસ્સામાં રહેલી રૂા.12,000 ની રોકડની લૂંટના બનાવમાં એલસીબીએ બે તરૂણ સહિત ત્રણ લૂંટારુઓને દબોચી લઇ તેમની પાસેથી રૂા.12000 ની રોકડ રકમ અને ક્રેડીટકાર્ડ તથા આધાર કાર્ડ કબ્જે કર્યા હતાં.

- Advertisement -

લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ રોડ પર ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોની રોડ નં.1 પર રહેતો રમેશ ખેતાભાઈ રાઠોડ (ઉ.વ.37) નામનો શ્રમિક યુવાન ગત ગુરૂવારે સાંજના સમયે ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો અને એટીએમમાંથી રૂા.10,000 ની રોકડ રકમ ઉપાડી હતી. જે તેણે પેન્ટમાં રહેલ પાકીટમાં પાછળના ખીસ્સામાં રાખ્યા હતાં તે જ સમયે 20 થી 25 વર્ષના પાતળા બાંધાના ત્રણ અજાણ્યા શખ્સો આવીને એક શખ્સે યુવાનના હાથ પકડી રાખ્યા હતાં જ્યારે બીજા શખ્સે મોઢે મુંગો આપી દીધો હતો અને ત્રીજા શખ્સે પેન્ટના પાછળના ખીસ્સામાં રહેલી રૂા.12,000 ની રોકડ ભરેલ પાકીટની લૂંટ ચલાવી ધોળે દિવસે પલાયન થઈ ગયા હતાં. ધોળે દિવસે જાહેરમાં થયેલી લૂંટના બનાવની જાણ થતા પીએસઆઈ વી.ડી.બરબસીયા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને લૂંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બનાવ અંગે એલસીબીના પો.કો. કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે મહાકાળી સર્કલથી સમર્પણ તરફના રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા સ્ટાફે બાતમી મુજબના દિપુ કમલ મનુ વઢીયાર (રહે. દિગ્જામ સર્કલ) અને બે તરૂણ સહિત લૂંટારુ ત્રિપુટીને દબોચી લઇ તેમની પાસેથી એલસીબીએ જૂના જેવું પાકીટ અને રૂા.12000 ની રોકડ રકમ તથા રમેશ ખેતાભાઈ રાઠોડનું આધાર કાર્ડ અને એક પંજાબ નેશનલ બેંકનું ક્રેડીટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular