જામનગરની ખાનગી સંસ્થાનાહોદ્દેદાર નાગરિકને સમાજમાં બદકામ કરવા માટે ટવીટર એકાઉન્ટ દ્વારા વિવાદિત પોસ્ટ બનાવી અભદ્ર ભાષામાં અપમાન જનક લખાણ લખી વાયરલ કરી સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસે રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંજરને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી નામાંકિત વ્યક્તિઓના નામે વિવાદિત પોસ્ટ વાયરલ કરવાની ઘટનાઓ દિનપ્રતિદન વધતી જાય છે. આવા જ એક બનાવમાં જામનગરની ખાનગી સંસ્થામાં સારા પદ ઉપર નોકરી કરતા નાગરિકને સમાજમાં બદનામ કરકા માટે પોતાના ટવીટર એકાઉન્ટ @ Cyber_Huntss નામના યુઝરે વિવાદિત પોસ્ટ બનાવી પોતાના આઈડીથી ફોટામાં સનાતન ધર્મ વિરૂધ્ધ અભદ્ર ભાષામાં અપમાનજનક લખાણ લખી અલગ અલગ ધર્મના લોકો વચ્ચે જામનગર શહેરમાં અશાંતિ ફેલાઈ તેવી પોસ્ટ બનાવી જામનગરના વિવિધ અધિકારીઓ-અગ્રણીઓ તથા નાગરિકના કંપનીની ટવીટર હેંડલને ટેગ કરી ફેક પોસ્ટ વાયરલ કરવાના બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ એ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે વિશેષ ટીમ બનાવી તપાસ દરમિયાન હેકો કુલદિપસિંહ જાડેજા અને ભગીરથસિંહ જાડેજા દ્વારા ટેકનિકલ એનાલિસીસ અને આરોપીની વિગતો એકત્ર કરી રાજસ્થાનના ઉદયપુરના સ્થાનિક પોલીસની ટીમની મદદથી સેકટર 9 માં હિરન મગરીમાં રહેતા સંજય શ્યામ સુંદર સોની (ઉ.વ.36) (બીસીએ) ભણેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંજરની ધરપકડ કરી હતી.
સંજય નાગરિકોના સોશિયલ મીડિયા પર બનાવેલા ટવીટર એકાઉન્ટ ઉપર ધાર્મિક લાગણી દુભાઈ તેવી ફેક પોસ્ટ એડીટ કરી વાયરલ કરતો હતો. અને પ્રતિષ્ઠીત વ્યકિતની સમાજમાં બદનામી થાય તથા જિલ્લાના અધિકારીઓ અને અગ્રણીઓને ટેગ કરી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડીંગ કરાવતો હતો. આવી વિવાદિત ફેક પોસ્ટ બનાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ અને અશાંતિનું વાતાવરણ ઉભુ થાય તેવા હેતુથી પ્રસિધ્ધ કરતો હતો. સાયબ ક્રાઈમ પોલીસે આવા ગુનેગારોથી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરાયેલી વિવાદીત તથા ફેક પોસ્ટથી ભ્રમિત થવું નહીં કે ઉશ્કેરાઈ જવું નહીં. તથા બદલો લેવાની ભાવનાથી કમેન્ટ કરવી નહીં. ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવું કૃત્યુ કરતા જણાય તો લોકલ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.