દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંગેની અમલવારી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વોચ અંગેની કાર્યવાહી દરમિયાન ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટ્રેનની પોલીસ કર્મચારીઓના રાઉન્ડ ધ ક્લોક “પોલીસ ડ્રોન” મારફતે ચેકિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ અંગે પોલીસ સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આ ડ્રોન ઉડાવતા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા શરદ મગનભાઈ નસીત નામના 28 વર્ષના પટેલ યુવાનની અટકાયત કરી, આ શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ આ અંગેની કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. સિંગરખીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, જગદીશભાઈ કરમુર તથા કિશોરસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.