હિન્દુઓના પવિત્ર પર્વ જન્માષ્ટમી મહોત્સવની ખંભાળિયામાં રંગેચંગે ઉજવણી માટેના આયોજનો થઈ રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તા. 7 સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પર્વ એવા જન્માષ્ટમી નિમિત્તે આ વર્ષે પણ હિન્દુ સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે વિશાળ શોભાયાત્રા માટેનું આયોજન કરાયું છે. જેમાં ગોવર્ધનનાથજીની હવેલી ખાતેથી ગુરુવારે સવારે 8:30 વાગ્યે પૂજન સાથે ભગવાન શ્રીકૃષ્ણ જન્મની શોભાયાત્રાનો પ્રારંભ થશે.
આ શોભાયાત્રા પાંચ હાટડી, લુહારશાળ, ઝવેરી બજાર, માંડવી ચોક ગુગળી ચોક, રંગ મહોલ સ્કૂલ, કલ્યાણરાયજી મંદિર, મેઈન બજાર, વિસ્તાર, રાજડા રોડ, હિન્દ કલોથ સ્ટોર રોડ, સતવારા વાડ, રામ મંદિર, નગર ગેઈટ અને શારદા સિનેમા રોડ થઈને બાદમાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે. આ શોભાયાત્રાના માર્ગમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં પણ યોજાશે. શોભાયાત્રાના માર્ગોને આકર્ષક કમાનો તેમજ ધજા પતાકાથી સુશોભિત કરવામાં આવશે. આ ધર્મોત્સવમાં સહભાગી થવા સર્વે હિન્દુ પરિવારજનોને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે.