જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં બ્રાસની પેઢી ધરાવતા વેપારી યુવાન સાથે દિલ્હીના શખ્સે પીતળના સામાનની ખરીદી કરી વેપારી યુવાન તથા અન્ય વેપારીઓ સાથે રૂા.19.28 લાખની છેતરપીંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મહાવીરપાર્ક વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઇડીસીમાં મહાવીર સર્કલ પાસે અભિજીત બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના સંચાલક અલ્પેશ દામજીભાઇ પીપરિયા નામના વેપારી યુવાન સાથે ત્રણ વર્ષ પહેલા 2020ના સપ્ટેમ્બર મહિનાથી આજ દિવસ સુધીમાં દિલ્હીના શાહનવાબ નામના શખ્સે અલ્પેશભાઇ તથા અન્ય વેપારીઓ સાથે વાત-ચીત કરી વિશ્ર્વાસમાં લઇ જુદી-જુદી બનાવટના પીતળના સામાન ખરીદી કરવા માટે અલ્પેશભાઇ સહિતના વેપારીઓ પાસેથી શાહનવાબે કુલ રૂા.19,28,238 ની કિંમતની ચીજવસ્તુઓ ખરીદ કરી હતી. દિલ્હીના શખ્સે જામનગરના વેપારીઓ પાસેથી પીતળનો સામાન ખરીદ્યા બાદ પૈસા દેવામાં આનાકાની અને બહાના કરતો હતો. આખરે કંટાળેલા વેપારીઓએ આ અંગેની જાણ કરતા પીએસઆઇ એમ.એ.મોરી તથા સ્ટાફે અલ્પેશભાઇના નિવેદનના આધારે શાહનવાબ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.