જામનગર શહેરના વિશાલ હોટલ નજીક આવેલી ચેમ્બર કોલોની વિસ્તારમાં ગત મધ્યરાત્રિના સમયે અગાઉની બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ વૃધ્ધના ઘર ઉપર તથા મંદિર ઉપર પથ્થરમારો કરી ધાર્મિક લાગણી દુભાવ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વિશાલ હોટલ પાસે ચેમ્બર કોલોનીમાં રહેતાં અને કડિયા કામ કરતાં લખમણભાઈ તેજાભાઈ પરમાર નામના વૃધ્ધને થોડા સમય અગાઉ નાઝીર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખી નાઝીરના કહેવાથી કમલેશ, ચેતન, આશિષ નામના ત્રણ શખ્સોએ બુધવારની મધ્યરાત્રિના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીના સમય દરમિયાન વૃધ્ધના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. તેમજ બાજુમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર પણ ઉપર પથ્થરમારો કરી ધાર્મિક લાગણી દુભાવી હતી. આ બનાવ અંગેની જાણ થતા ગત રાત્રિના સમયે હિન્દુ સેના ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.