જામનગર શહેરના ગુલાબનગર અખાડાચોક વિસ્તારમાં રહેતાં યુવાન સાથે પિચકારી મારવાની બાબતે અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન થઇ ગયા બાદ ફરીથી પિચકારી મારતાં બે ભાઇઓએ યુવાન અને તેની પત્નિ ઉપર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્તાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગરના ગુલાબનગર પોલીસ ચોકી સામે આવેલી હોટલની પાછળના વિસ્તારમાં રહેતાં યુસુફભાઇ તેના મકાન ઉપરના માળેથી નીચે થૂંકતાં નજીકમાં રહેતા ઇર્શાદ મહમદ મગીરાની ડેલી પાસે પિચકારી ઉડીને જતાં બન્ને વચ્ચે દિવાળીના સમયમાં બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. બાદમાં ગુરુવારે ફરીથી યુસુફભાઇ દ્વારા થૂંકની પિચકારી ઇર્શાદના ઘરની ડેલી પાસે ઉડતાં રાત્રીના 9:30વાગ્યાના અરસામાં ઇર્શાદ મહમદ મગીડા અને ફૈઝલ ઉર્ફે બોદુ મહમદ મગીડા નામના બન્ને ભાઇઓ એકસંપ કરી યુસુફ અને તેની પત્નિ કૌશરબેન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુસુફભાઇએ પાઇપ પકડી બંને ભાઇઓએ ઝપાઝપી કરી છરી વડે યુસુફભાઇ ઉપર છાતીમાં જીવલેણ ઘા ઝિંકયો હતો. તેમજ તેની પત્નિ કૌશરબેનને પેટમાં છરીનો ઘા ઝિંકી જીવલેણ હુમલો કર્યો હતો.
જીવલેણ હુમલામાં ઘવાયેલા યુસુફભાઇ અને તેની પત્નિ કૌશરબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં વ્હેલી સવારના સમયે સારવાર દરમિયાન યુસુફભાઇનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે હુમલામાં ઘવાયેલી મૃતકની પત્નિ કૌશરબેનની હાલત નાજુક હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવાયું હતું. બનાવની જાણ થતાં પીઆઇ એચ.પી. ઝાલા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં પોલીસે ગુલામ હુશેન હારુનભાઇ સાંઘાણીના નિવેદનના આધારે ઇર્શાદ અને ફૈઝલ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.