જામનગર શહેર અને જિલ્લામાં દારૂની બદી ડામવા પોલીસવડાની સૂચનાના આધારે ધરારનગરમાં રહેતા શખ્સની ઓરડીમાંથી પોલીસે 220 બોટલ દારૂ અને બીયરના 11 ટીનનો જથ્થો કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના ખંભાલિડા ગામમાં રહેતાં શખ્સને પોલીસે 10 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન ચાર બોટલ દારૂ સાથે શખ્સને દબોચી લઇ પૂછપરછ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ધરારનગર ક્ધયા શાળા પાસે રહેતા ગુલામ કાસમ કુંગડાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એએસઆઈ એ બી સપિયા અને પોકો પોલાભાઈ ઓડેદરાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ એ વી વણકર, એએસઆઈ એ બી સપિયા, હેકો યુવરાજસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, પો.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, હિરેન ગાગીયા, પોલાભાઈ ઓડેદરા, ગૌતમ મકવાણા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ગુલામ કાસમ કુંગડાની ઓરડીમાંથી તલાસી લેતા તેમાંથી જુદી જુદી બનાવટની રૂા.1,10,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 220 બોટલ અને રૂા.1650 ની કિંમતના 11 નંગ બીયરના ટીન સહિત રૂા.1,11,650 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ગુલામ વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના ખંભાલિડા ગામમાં રહેતાં ઈન્દ્રજિતસિંહ જયદેવસિંહ રાયજાદા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલ મળી આવતા પોલીસે ઈન્દ્રજિતસિંહની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના 58 દિગ્વીજય પ્લોટ હિંગળાજ ચોકમાં રહેતાં પ્રકાશ રામજી મુંજાલના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.2000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે પ્રકાશની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.