દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક બંને વિભાગમાં હાલ ફરજ બજાવી રહેલા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયા પાસે ઘણા સમયથી બે-બે ચાર્જ હોવા છતાં પણ તેમની ઝડપી કામગીરી તથા વિદ્યાર્થીલક્ષી અભિગમ સાથેના વહીવટ તેમજ કર્મચારીઓ પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે કામગીરીનો અનોખો રેકોર્ડ પણ સર્જાયો છે.દ્વારકા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓમાં 22 આચાર્યોની ભરતી કરવાની હોય, તેના ઇન્ટરવ્યૂ માટેની ગોઠવણ તથા સાહિત્ય તૈયાર કરવામાં શુક્રવાર તેમજ શનિવારે રાત્રે બાર-બાર વાગ્યા સુધી કચેરીના તમામ કર્મચારીઓએ તેમની ફરજ બજાવી હતી. રવિવારના રજાના દિવસે પણ કચેરી ચાલુ રાખીને ઇન્ટરવ્યૂ અંગેની કામગીરી કરાઈ હતી.
તો પ્રાથમિક શિક્ષકોને જિલ્લા બદલીના સામુહિક હુકમો થયા તેમાં દ્વારકા જિલ્લામાંથી 300 જેટલા શિક્ષકો અન્ય જિલ્લામાં બદલી થઈને જતા આ તમામ શિક્ષકોને છૂટા કરવાની કામગીરી પણ ગઈકાલે જ કરવામાં આવી હતી. અન્ય જિલ્લામાં રોજ ચાર-પાંચ શિક્ષકોને છુટા કરવામાં આવે ત્યારે અહીં રોજ પચાસેક જેટલા શિક્ષકોને છૂટા કરવાની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે પ્રાથમિક શિક્ષકોના બદલીના હુકમો થાય તે પછી તેમને તુરત છુટા કરવામાં આવતા નથી. કારણ કે કેટલાક છૂટા થવાના “વહીવટ” ચાલતા હોય છે. ત્યારે દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયાએ બદલીના દિવસે જ શિક્ષકોને છુટા કરવાનો રાજ્ય વ્યાપી રેકોર્ડ કરી, ઝડપી વહીવટનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી જ નહીં પરંતુ તેમની તમામ ટીમના રેવન્યુ ઇન્સ્પેક્ટર વિમલભાઈ કીરતસાતા, સરકારી શાળાના આચાર્યો કમલેશભાઈ પાથર, સવદાસભાઈ, પ્રાથમિક વિભાગના માથુરસિંહ વિગેરેની ટીમે રાત્રે બાર-બાર વાગ્યા સુધી કામ કરીને કોઈ અપેક્ષા વગર બદલી થયેલાને છુટા કરવા તેમજ નવા નિયુક્ત મદદનીશ શિક્ષકોને અડધી કલાકમાં નિમણૂકના હુકમો આપ્યા હતા. છુટા થવા માટે અનેક જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના ભાવ બોલાય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ વિલંબ વગર મોડી રાત્રી સુધી પણ કચેરી ચાલુ રાખીને કર્મચારીઓને તેમની મનગમતી જગ્યા પર જવા છુટા કરવામાં આવતા આ પ્રક્રિયાથી ખુશ થયેલા શિક્ષકો પોતાની જૂની શાળાઓમાં તમામ શિક્ષકોને તેમજ છાત્રોને ભોજન કરાવી, શાળામાં રમતગમતના સાધનો, કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા ઘટતી ચીજ વસ્તુઓના લાખો રૂપિયાના દાન કરીને ગયા હતા. તમામ શિક્ષકો 11 હજારથી 51 હજાર સુધીની વસ્તુઓના દાન આપીને ગયા, જે પણ રાજ્યમાં રેકોર્ડ ગણાય છે.