જામજોધપુર તાલુકાના પરડવા ગામના વાડી વિસ્તારમાં રહેતી અને ખેતમજૂરી કામ કરતી મહિલાએ પાંચ વર્ષથી થયેલી પેટના દુ:ખાવાની બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના સુંદેલ નજીક બોરાની ગામના વતની અને જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં આવેલી યોગેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતી નિર્મળાબેન બીલરસિંહ નરગામી (ઉ.વ.38) નામની મહિલાને છેલ્લાં પાંચ વર્ષથી પેટના દુ:ખાવાની બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને શનિવારે સવારના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પતિ બીલરસિંહ નરગામી દ્વારા જાણ કરવામાં આવતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.