રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતને ફરી એકવાર વરસાદે ઘમરોળતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સાથે જ પૂર્ણા નદી અને ઔરંગા નદીનું જળસ્તર વધ્યું છે.
નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.બીજી તરફ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે હાલત ખરાબ છે, ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. દરમિયાન, હવામાન વિભાગે આજે બપોર સુધી ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઈંખઉના એલર્ટને ધ્યાનમાં રાખીને ઇખઈએ તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. તેમજ મુંબઈના લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વરસાદ માટે રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈ યુનિવર્સિટીએ આજે યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેની અસર સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા સુરતના મહુવામાં 11 ઈંચ જ્યારે નવસારીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમા નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ડાંગના સુબીર અને વલસાડના કપરાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા. તેમજ નવસારીમાં એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે.
આ ઉપરાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચવા આપવામાં આવી છે. નવસારીમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે તેમજ પૂર્ણા નદી ભયજનક સપાટીથી 1 મીટર દૂર છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થતા ડેમના 10 દરવાજા 4 મીટર ખોલવામાં આવ્યા. ડેમનું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે દમણગંગા નદી બન્ને કાંઠે વહી રહી છે. પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે સેલવાસ-ભિલાડ નેશનલ હાઇવેને જોડતો પુલ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પહોંચાડતો તાનસા ડેમ પણ ઓવરફલો થઈ ગયો છે. શાહપુર, ભિવંડી અને પાલઘર જિલ્લાના ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે. ડેમનો એક ગેટ ખોલી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગ્રામજનોને ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તે જ સમયે, કોલ્હાપુર જિલ્લાના રાધાનગરી ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. પાંચ દરવાજામાંથી 8 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કોલ્હાપુરની પંચગંગા નદી ખતરાના નિશાનથી 40 ફૂટ 5 ઈંચ ઉપર વહી રહી છે. રાધાનગરી ડેમમાંથી છોડવામાં આવતું પાણી જો પંચગંગા નદીમાં પ્રવેશે તો પૂર સંકટ વધુ ઘેરી બની શકે છે. નદી કિનારે રહેતા લોકોને વહીવટીતંત્રથી દૂર ખસી જવાની ચેતવણી આપવામાં આવી રહી છે. મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ સહિતના અન્ય વિસ્તારો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. આ ખરાબ હવામાનને કારણે રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેથી ટ્રેનની મુસાફરી પણ મુશ્કેલ બની ગઈ છે. હવે હવામાન વિભાગે શુક્રવારે પણ મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.