ભારતે ડોમિનિકા ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ્સ અને 141 રનથી હરાવી છે. આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે અને આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે.
ડોમિનિકા ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટના નુકસાને 429 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 271 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 130 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય જીતી મેળવી હતી. આ જીત સાથે રોહિત શર્માની ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે. ભારતની એશિયા બહાર ઇનિંગ્સના માર્જિનથી સૌથી મોટી જીત થઈ છે.
ભારત તરફથી મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને માત્ર એક જ ઈનિંગમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. યશસ્વીએ પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં જ 171 રન બનાવવા હતા જે બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.