આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા પંથકમાં ગુરુવારે ઇદના તહેવાર નિમિત્તે સ્થાનિક પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સંજયનગર વિસ્તારમાં આવેલી એક અનાજ કરીયાણાની દુકાન સામે ઓટલા ઉપર બેસી અને જાહેરમાં જુગાર રમી રહેલા દિલીપ નારણ લાધવા, અરજણ વેરશી મશુરા, દેશુર ઘેલાભાઈ ધારાણી અને હસમુખ રામજી ચાવડા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 12,390 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ જેઠાભાઈ પરમાર તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે આવેલી ગ્રામ પંચાયત પાસેના જાહેર માર્ગ પર બેસી અને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા પાલા હેભા ભાટુ, ગોવિંદ વિક્રમ ચાવડા, ગોવા ધરણાંત જોગલ, સવા કાના ભાટુ અને પબા સવા ભાટુ નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 11,200 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી સાથે તેમજ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી. ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે મહેન્દ્ર બાલકૃષ્ણભાઈ રાવત તથા ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 6,490 નો મુદ્દામાલ કબજે કર્યો છે.