જામનગરના જાંબુડા પાટિયા પાસે આવેલા એક રિસોર્ટમાં સ્વિમીંગ પુલમાં ડૂબી જવાથી દશ વર્ષના બાળકનું કરૂણ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો.
જામનગરમાં ગઇકાલે ઇદના તહેવાર દરમિયાન શહેરના એક મુસ્લિમ પરિવારમાં માસુમ બાળકના મૃત્યુથી પરિવારમાં ઇદનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. જામનગર શહેરના કાલાવડનાકા બહાર રંગમતિ સોસાયટીમાં રહેતાં મકસુદ મુસ્તુદ્ીનભાઇ આરબાની (ઉ.વ.10) નામનો બાળક પોતાના પરિવાર સાથે જાંબુડા નજીક રિસોર્ટમાં ગયા હતાં. આ દરમિયાન બાળક તેના પરિવાર સાથે સ્વિમીંગ પુલમાં ન્હાતો હતો ત્યારે સ્વિમીંગ પુલમાં બાળક ડૂબી જતાં તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઇ બાળકના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો.