જામનગર જિલ્લાના જોગવડ ગામના પાટીયા પાસેથી પસાર થતી સ્કોર્પિયો કારના ચાલકે કાબુ ગુમાવી દેતા કાર ડીવાઈડર ઉપર ચડીને બે થી ત્રણ પલ્ટી ખાઈ જતા થયેલા અકસ્માતમાં ચાલક યુવાનનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતો વિજય સોલંકી નામનો યુવાન ગત તા.15 ના સવારના સમયે મનસુખ દેવા સોલંકી નામના યુવાન સાથે જીજે-10-ટીએન-9700 નંબરની સ્કોર્પિયો કારમાં જોગવડ ગામના પાટીયા પાસેથી પસાર થતા હતાં ત્યારે ચાલક મનસુખ તેની કાર પૂરઝડપે ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ઉપર ચડીને ત્રણ પલ્ટી ખાઈ ગઈ હતી. પલ્ટી જતાં અકસ્માતમાં ચાલક મનસુખ દેવાભાઈ સોલંકી (ઉ.વ.35) નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે વિજય સોલંકીને પગમાં તથા શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન કારચાલક મનસુખ સોલંકીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ વાય.બી. રાણા તથા વિજયના નિવેદનના આધારે ગુનો નોંધી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.