જામનગર તાલુકાના વિભાપર ગામમાં યુવાનની ગાડી ઘેટા-બકરાને અડી જતાં માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી બે યુવાન ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. તેમજ સમજાવવા જતા વૃધ્ધાને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતાં રતનબેન મકવાણા નામના વૃધ્ધાના પૌત્રની ગાડી લખમણભાઈ ભરવાડના ઘેટા બકરાને ગત શનિવારે સાંજના સમયે અડી જતા લખમણ તથા તેની માતા રૈયામા અને રાજિયો નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી વૃધ્ધાના પૌત્ર પ્રશાંત અને સાહીલ ઉપર લાકડી વડે હુમલો કરતા વૃધ્ધાનો પુત્ર લખમણને સમજાવવા તેના ઘર પાસે ગયો હતો ત્યારે લખમણ અને તેની માતાએ ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતાં. તે દરમિયાન વૃધ્ધા ત્યાંથી પસાર થતા તેણે પણ લખમણને સમજાવતા લખમણની માતાએ વૃધ્ધાના મોઢા ઉપર ધાતુનું કડલુ મારી પછાડી દીધા હતાં તેમજ લખમણે જાતિ પ્રત્યે અપમાનિત કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં વૃધ્ધા દ્વારા જાણ કરાતા ડીવાયએસપી તથા સ્ટાફે માતા-પુત્ર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.