ધ્રોલ સબ ડીવીઝન પીજીવીસીએલની કચેરીમાં મોટા વાગુદડ ગામના શખ્સ સહિતના પાંચ શખ્સોને ફોન ઉપર તેમજ વીજ કચેરીએ રૂબરૂ આવી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. જે સંદર્ભે ધ્રોલ પીજીવીસીએલ કચેરીના સબ ડીવીઝનમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર ફરજ પર હતાં ત્યારે અનિરૂધ્ધસિંહ બટુકભા જાડેજાએ ઓફિસના લેન્ડલાઈન પર ફોન કરી ઈજનેરને ગાળો આપી હતી. તેમજ શનિવારે સાંજના સમયે ધ્રોલના ગાંધીચોકમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં રાકેશભાઈ ઠકરાર નામના નાયબ ઈજનેર તેની ફરજ પર હતાં ત્યારે ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામના અનિરૂધ્ધસિંહ બટુકભા જાડેજા, નાના વાગુદડના યુવરાજસિંહ સુરૂભા જાડેજા અને બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ ઓફિસમાં આવી નાયબ ઈજનેરની ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.