બિપરજોય વાવાઝોડાના વિનાશકારી પવનોએ જામનગર શહેરમાં સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વાળી દીધો છે. જે પૈકી કેટલાક મુળમાંથી ઉખડી ગયા છે, કેટલાક બટકી ગયા છે તો કેટલાકની ડાળીઓ તૂટી ગઇ છે. ઉખડી ગયેલાં વૃક્ષો પૈકી રપ ટકા જેટલા વૃક્ષો એવા છે જેને પુન:સ્થાપિત કરી શકાય તેમ છે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય તેમ છે. પરંતુ આ માટે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ તેમજ જામનગર મહાપાલિકા તથા વન વિભાગના તંત્રએ પોઝિટીવ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે પહેલ કરવી પડે તેમ છે. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો એ રીતે ઉખડી ગયા છે. જેને ખૂબજ સરળતાથી પૂન:સ્થાપિત કરી શકાય તેમ છે. હા આ માટે થોડો ખર્ચ અને મશીનરીનો તેમજ મેન પાવરનો ઉપયોગ કરવો પડે તેમ છે. પરંતુ વૃક્ષોના જતન સામે આ ખર્ચ સાવ નગણ્ય ગણી શકાય તેમ છે. કેટલીક પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ આ અંગે ઇચ્છા દર્શાવી છે. પરંતુ તેમની પાસે સંશાધનો ટૂંકા પડે તેમ છે.
નિર્સગ નેચર એન્ડ એન્ડવેચર કલબના યોગેશભાઇ રાવતે આ અંગે વિચાર રજૂ કર્યો છે. પરંતુ ટાંચા સાધનોને કારણે આ સંસ્થા અને તેમના સભ્યો માત્ર નાના-નાના વૃક્ષોને જ સધિયારો આપી શકે તેમ છે. જયારે મોટા વૃક્ષોને પુન:સ્થાપિત કરવા માટે જેસીબી જેવી મોટી મશીનરીની જરૂર પડે તેમ છે. જે જામ્યુકો જેવી સંસ્થા જ ઉપલબ્ધ કરાવી શકે તેમ છે. વૃક્ષોને ઉછેરવા ખૂબ જ ભગીરથ કાર્ય છે. ત્યારે વર્ષો જૂના વૃક્ષોનો ગણતરીની કલાકોમાં બિપરજોયના પવનોને કારણે સોથ વળી ગયો છે. આવા વૃક્ષોનું નિર્માણ થતાં વર્ષો લાગી જાય છે ત્યારે કાપીને ફેંકી દેવાનો સરળ રસ્તો અપનાવવા બદલે આવા વૃક્ષોને પૂન:સ્થાપિત કરી દાખલો બેસાડવામાં આવે અને સમગ્ર રાજયમાં ઉદાહરણ પૂરૂં પાડવામાં આવે તે ઇચ્છનિય છે. જામ્યુકોના તેમજ વન વિભાગના સતાધિશોએ આ અંગે વૃક્ષોનું નિકંદન કાઢતા પહેલાં ગંભીરતાપૂર્વક વિચારી તમામ શકયતાઓ તપાસવી જોઇએ. સાથે-સાથે પર્યાવરણ માટે અવાજ ઉઠાવતી સંસ્થાઓએ પણ ગંભીરતાપૂર્વક આગળ આવવું જોઇએ. હજુ થોડા દિવસો પહેલાં જ આપણે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી ચૂકયા છે જેમાં લાખોની સંખ્યામાં વૃક્ષ ઉછેરવાના શપથ લીધા છે. પરંતુ જો આ વૃક્ષોને બચાવી શકાય તો તે પણ પર્યાવરણ દિવસની સાચી ઉજવણી ગણાશે.