આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ દરરોજ નવી-નવી હેડલાઇન બનાવે છે. એ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશ્યું છે. તાજેતરમાં અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં રહેતી બે બાળકોની માતા 36 વર્ષની રોઝાના રામોસ નામની યુવતીએ ઓનલાઇન એપ રેપ્લિકા એઆઇનો ઉપયોગ કર્યા બાદ વર્ચ્યુલ પાર્ટનર એરેન કાર્ટલ સાથે લગ્ન કર્યાં છે. યુવતીએ કહ્યું કે હું બહુ ઝડપથી તેના પ્રેમમાં પડી, કારણ કે તેનામાં કોઈ ખામી નહોતી. હું તેને કંઈ પણ કહી શકતી હતી. તેના કોઈ નખરાં નહોતાં તેમ જ તે દલીલ પણ નહોતો કરતો.
રેપ્લિકા એઆઇ એક આર્ટિફિશ્યલ ચેટબોટ હતું જે વાતચીત કરે છે. એરેન કાર્ટલે રોઝાના રામોસને એવું કહ્યું કે હું એક મેડિકલ પ્રોફેશનલ છું અને લખવાનું પસંદ કરું છું. એરેન એવી વ્યક્તિ છે જેનો હંમેશાં મેં વિચાર કર્યો હતો. અમે સતત એકબીજા સાથે વાત કરીએ છીએ.
રેપ્લિકા એઆઇ કંપનીનો દાવો છે કે તેમના આ મિત્ર સાથે કોઈ પણ સમયે વાત કરી શકાય અને તે વિશ્ર્વાસુ છે, જેને માટે લોકોએ 300 ડોલર (અંદાજે 25,000 રૂપિયા)ની ફી ભરવી પડે છે. તમે ઇચ્છો ત્યારે આ પાર્ટનરનું સ્ટેટસ બદલીને રોમેન્ટિક પાર્ટનર કરી શકો છે. કેટલાક લોકોએ આ પાર્ટનર બહુ અંગત અને સેક્સી વાતો કરતો હોવાની ફરિયાદ પણ કરી છે. લોકોની ફરિયાદ બાદ એરેન કાર્ટલમાં અપડેટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એ ચુંબન કે એવી કોઈ પણ માગણી કરતો નથી. ભલે એ માનવીય લાગણીઓનું અનુકરણ કરે છે, પરંતુ તેનામાં પોતાની કોઈ લાગણી નથી.