કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં બે ભાગીદારો ઉપર ત્રીજા ભાગીદારે ચણાના ખારીયાના હિસાબમાં ગોટાળા કરી રૂપિયા પચાવી પાડવા લાકડી વડે અને છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જીવલેણ હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રહેતાં અને સિકયોરિટીનો વ્યવસાય કરતાં જયદીપસિંહ તથા વિશ્ર્વરાજસિંહ રાજેન્દ્રસિંહ, અમરદીપસિંહ સુરૂભા અને હરદીપસિંહ જયેન્દ્રસિંહ નામના ચાર ભાગીદારોએ સાથે મળીને આજુબાજુના ખેડૂતો પાસેથી ચણાનું ખારીયું (ભુકો) વેંચાતો લઇ અને હરદીપસિંહના ખેતરમાં ઢગલો કરી વેંચાણ કરતા હતાં. દરમિયાન આ ભુકાના હિસાબ કરવા માટે જયદીપસિંહ અને વિશ્ર્વરાજસિંહને હરદિપસિંહ બોલાવ્યાં હતાં. ત્યારે હરદિપસિંહને આ હિસાબમાં ગોટાળો કરી રૂપિયા પચાવી પાડવા હોય જેથી બંને ભાગીદારો સાથે બોલાચાલી થઈ હતી. બન્ને ભાગીદારો સમજાવવા જતા ઉશ્કેરાયેલા હરદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે વિશ્ર્વરાજસિંહ રાજેન્દ્રસિંહ, જયદિપસિંહ ઉર્ફે કકન ગજરાજસિંહ જાડેજા નામના બન્ને યુવાનો ઉપર લાકડી વડે અને ત્યારબાદ છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ વિશ્ર્વરાજસિંહ ઉપર છરીનો ઘા પેટમાં ઝીંકી જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો ત્યારબાદ ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વિશ્ર્વરાજસિંહની હાલત નાજુક હોવાનું જણાયું હતું.
શખ્સ દ્વારા બે ભાગીદારો ઉપર કરાયેલા જીવલેણ હુમલાના બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ હોસ્પિટલે તથા ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘવાયેલા જયદિપસિંહના નિવેદનના આધારે હરદિપસિંહ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


