ખંભાળિયા તાલુકાના વાડીનાર પંથકમાં રહેતા એક પરિવારની આશરે પોણા અઢાર વર્ષની એક સગીર વયની યુવતીના અપહરણ સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા નવઘણ ભુરા સારોલીયા નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવાઈ હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ સી.પી.આઈ. ટી.સી. પટેલ તથા વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. યુ.બી. અખેડ જુદી જુદી ટીમ બનાવીને ભોગ બનનાર સગીરા તેમજ આરોપીની શોધખોળ માટેની હાથ ધરવામાં આવેલી કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામેથી આરોપી તેમજ તેની સાથે બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયા સર્કલના સી.પી.આઈ. ટી.સી. પટેલ, વાડીનાર પોલીસ મથકના પી.એસ.આઈ. યુ.બી. અખેડ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અરશીભાઈ, પ્રતાપભાઈ જેઠાભાઈ, દક્ષાબેન ગોવિંદભાઈ કનારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.