કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના એક આસામી પાસેથી દાખલો કાઢી આપવા માટે રૂપિયા સવા લાખની સ્વીકારતા ઝડપાયેલા મહિલા તલાટી તથા તેમના વતી લાંચ લેનારા એક દુકાનદાર શખ્સ સામે આજરોજ સાંજે રિમાન્ડ અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે.
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હર્ષાબેન આલાભાઈ કારેણા દ્વારા એક આસામી પાસેથી ગામ નમુના નંબર 2 નો દાખલો કાઢી આપવા માટે રૂપિયા સવા લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ તલાટી વતી જયસુખ ઉર્ફે જલો અરજણ પિપરોતર નામના શખ્સ દ્વારા લેવામાં આવી હતી. જે અંગે એસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
આ કામગીરી બાદ એ.સી.બી. પોલીસે મહિલા તલાટીના રહેણાંક મકાનમાં સર્ચ અંગેની કામગીરી પણ કરી હતી. પરંતુ કોઈ નોંધપાત્ર સાહિત્ય ન મળ્યાનું કહેવાય છે. આ મહિલા તલાટીને રિમાન્ડ અંગેની કાર્યવાહી આજરોજ સાંજે દ્વારકા ખાતે થનાર હોવાનું એસીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નવાઈની વાત તો એ છે કે લાંચ પ્રકરણમાં બંને આરોપીઓની ગઈકાલે જ વિધિવત રીતે અટકાયત કરવામાં આવી હતી. પરંતુ એસીબી પોલીસ દ્વારા માત્ર વચેટીયાનો ફોટો જ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે લાંચ માંગનાર મહિલા તલાટીની અટકાયત પછી પણ તેમનો ફોટો જાહેર કરવામાં આવ્યો નથી..!!!