મણિપુરમાં સર્જાયેલ હિંસા વચ્ચે, રાજ્ય સરકારે નિવૃત્ત આઈપીએસ અધિકારી અને ભૂતપૂર્વ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ.)ના વડા કુલદીપ સિંહને રાજ્યના સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. કુલદીપસિંહ મણીપુરની રાજધાની ઈમ્ફાલ પહોંચી ગયા છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે સ્થિતિને કાબૂમાં લેવા માટે દિલ્હીમાં બેઠક કરી છે. તેમણે મણિપુરના પડોશી રાજ્યો આસામ, નાગાલેન્ડ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બે બેઠકોમાં વાતચીત કરી છે. તેમણે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. આ બેઠકમાં હિંસા પર કાબૂ મેળવવા માટે પડોશી રાજ્યોમાંથી અર્ધલશ્કરી દળોને મણિપુર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1986 બેચના આઈપીએસ અધિકારી કુલદીપ સિંહ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થયા હતા. સીઆરપીએફના મહાનિર્દેશક હોવા ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિર્દેશકની વધારાની ફરજ પણ નિભાવી હતી. મણિપુરમાં બુધવારે નાગા અને કુકી આદિવાસીઓએ બહુમતી મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના સરકારના પગલાના વિરોધમાં ’આદિવાસી એકતા કૂચ’નું આયોજન કર્યા પછી હિંસક અથડામણો ફાટી નીકળી હતી. રાજ્ય સરકારે આ પછી વધતી હિંસા રોકવા માટે શૂટ-એટ-સાઇટ આદેશ જારી કર્યો હતો.