જામનગરના ફલ્લામાં ધોળે દિવસે ખુની ખેલ ખેલાયાની મધ્યરાત્રિના સમયે શહેરના રણજીતસાગર રોડ પર ચાર શખ્સો દ્વારા યુવાન ઉપર લોખંડના પાઈપ, છરી વડે હુમલો કર્યાનો વધુ એક બનાવ બન્યો છે. આ બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
જામનગર શહેરમાં વધુ એક હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, રણજીતસાગર રોડ પર આવેલા સુભાષ પાર્ક શેરી નં.1 માં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા કિશનભાઈ ગુજરીયાના મિત્ર સુરેશ ઉર્ફે સુરીયો વિજયભાઈ સોનારા નામના યુવાનને જગદીશ બારૈયા અને સંજય બારૈયા સાથે જુનુ મનદુ:ખ ચાલતું હતું. જેનો ખાર રાખીને મંગળવારે રાત્રિના સમયે રણજીતસાગર રોડ પર વસંત વાટીકાના ગેઈટ નજીક સંજય સવજી બારૈયા, જગદીશ સવજી બારૈયા, શૈલેષ સવજી બારૈયા અને સવજી પુના બારૈયા નામના પિતા અને ત્રણ પુત્રો સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે કિશન ગુજરીયા ઉપર હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી હતી તેમજ રવિ ઉપર લોખંડના પાઈપ વડે માથામાં અને આંખ ઉપર આડેધડ ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો હતો. હુમલાખોરોએ બે યુવાનો ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી નાશી ગયા હતાં.
ત્યારબાદ ઘવાયેલા બન્ને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ કિશનના નિવેદનના આધારે પિતા અને ત્રણ પુત્ર સહિતના ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


