જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઇન્દુમતી કાટદરેજીને ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના કલોલમાં થયો હતો. તેઓએ અંગ્રેજીમાં જ નહીં પરંતુ સંસ્કૃત ભાષામાં પણ ખ.અ.ની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2004 થી આજ સુધી પુનરુત્થાન વિદ્યાપીઠમાં સ્થાપક વાઇસ ચાન્સેલરનું પદ સંભાળી રહ્યા છે. ઇન્દુમતી 100 કરતાં પણ વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત અને પૂજનીય નામ ધરાવતા ઈન્દુમતી કાટદરે જેઓ પરિશ્રમશીલ અને સમર્પિત વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ છે. ઇંદુમતી કાટદરેને ગુજરાત સરકાર દ્વારા મગનલાલ દેસાઇ શિક્ષણ પુરસ્કાર, જ્ઞાન પ્રબોધિની પૂણે દ્વારા ગુરુ ગૌરવ પુરસ્કાર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી દ્વારા શિક્ષણ ભૂષણ પુરસ્કાર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જન કલ્યાણ સમિતિ મહારાષ્ટ્ર દ્વારા શ્રી ગુરુજી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.