ખંભાળિયા બ્રહ્મ સમાજના અગ્રણી તથા વિવિધ સેવાકીય કાર્યો પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મ વિકાસ પરિષદના પ્રમુખ સંદીપભાઈ ખેતિયાના 19 વર્ષના પુત્ર કેશવએ ગુરુવારે સવારે ગાંધીનગર ખાતે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધા બાદ તેમના નિષ્પ્રાણ દેહને અત્રે લાવવામાં આવ્યો હતો. કોલેજમાં પરીક્ષા આપવા ન દેતા તેમણે આ પગલું ભરી લીધું હતું.
ત્યારે ગઈકાલે શુક્રવારે ખંભાળિયામાં તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ નોંધપાત્ર સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી તેમની અંતિમયાત્રા સંપન્ન થઈ હતી. આશાસ્પદ યુવાનના અકાળે મૃત્યુના આ બનાવથી પરિવારજનો સાથે સમગ્ર શહેરમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.
કેશવ ખેતિયાની અંતિમ યાત્રામાં બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ જોશી, સૌરાષ્ટ્ર કચ્છના ટ્રસ્ટી મોહનભાઈ મોકરીયા, બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અને પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્ય, એડવોકેટ દિલીપભાઈ વ્યાસ, વિષ્ણુભાઈ વ્યાસ જામનગરના જયદેવભાઈ, હેમલભાઈ બોડા, પંકજભાઈ ભટ્ટ, પાલભાઈ કારીયા, નીતિનભાઈ આચાર્ય મુકેશભાઈ મોકરીયા, મુકેશભાઈ જોશી, જગુભાઈ ખેતિયા, અનિલભાઈ ખેતિયા, ભાસ્કરભાઈ ભટ્ટ, જયદીપભાઈ ખેતિયા, મિલનભાઈ કિરતસાતા સહિતના આગેવાનો જોડાયા હતા અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી હતી.