જામનગર શહેરના મુખ્ય માર્ગો પર વાહન અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં શહેરના માર્ગો પર બેફામ અને બેખોફ બાઈકસવારો તેમજ કારચાલકો મરજી પડે તેમ વાહનો ચલાવતા હોય છે જેનો ભોગ સામાન્ય લોકોએ બનવું પડે છે. શહેરના ડી.કે.વી. કોલેજની સામે રોડ ક્રોસ કરતા પ્રૌઢને બેરોકટોક આવી રહેલા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર કે.પી.શાહની વાડી વિસ્તારમાં રહેતાં હેમાંગભાઈ માવાણી નામનો યુવાન તેના પરિવાર સાથે કારમાં જમવા માટે જતા હતાં તે દરમિયાન યુવાને ડી.કે.વી. કોલેજની દિવાલ પાસે કાર પાર્ક કરી હતી અને તેનો પરિવાર રસ્તો ક્રોસ કરી સામેથી તરફ જતો હતો ત્યારે બેડી બંદર રોડ તરફથી પુરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ડીસી-3928 નંબરના બાઈકસવારે યુવાનના પિતા હસમુખભાઈ નામના પ્રૌઢને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢને પગમાં, ડાબી આંખમાં અને કીડનીમાં તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે હેમાંગભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે બાઇકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા અમુક કારચાલકો અને બાઈકસવારો પોલીસના ભય વગર બેરોકટોક અને બેફામ પોતાના વાહન ચલાવતા હોય છે. અને રોડ પર જાણે રેસ લગાવી હોય તે રીતે વાહન ચલાવી રાહદારીઓને હડફેટે લેતા હોય છે. આવી ઘટનાઓ છેલ્લાં થોડા સમયથી દિન પ્રતિદિન વધતી જાય છે. જેના કારણે સિનીયર સીટીઝન તો ઠીક પરંતુ યુવાનોને પણ શહેરના માર્ગો પરથી ચાલીને જવું કે રસ્તા ક્રોસ કરવા જોખમી બની ગયા છે. આવા અકસ્માતોમાં શહેરીજનોના મોત નિપજ્યાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે પોલીસ આવા વાહનચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં બેખોફ શહેરના માર્ગો પર વાહન ન ચલાવે તેવી કાર્યવાહી કરવાની લોકમાંગણી ઉઠી રહી છે એક તરફ પશુઓનો ત્રાસ, કુતરાઓનો ત્રાસ અને બીજી તરફ આવા વાહનચાલકોનો ત્રાસના કારણે શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે. વહીવટી તંત્ર અને પોલીસે શહેરીજનોને આ ત્રાસમાંથી મુકત કરાવવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું જરૂરી બની ગયું છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહનચાલકો શહેરમાં ઠેક ઠેકાણે ફુટી નિકળે છે.